રાજકીય વાત

અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર વિરોધી રેલીમાં બીજા રાજ્યોને સાવચેત રહેવા કહ્યુ.

રવિવારે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં સેવા નિયંત્રણ અંગેના વટહુકમ માટે કેન્દ્રની ટીકા કરતા કહ્મું કે દિલ્હીથી શરૂઆત થઈ છે અને આગામી સમયમાં અન્ય રાજ્યો પણ સમાન વટહુકમનો સામનો કરશે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર, રામલીલા મેદાન ખાતે યોજાયેલી તેમની “મહા રેલી”માં બોલતા હતા. તેમણે કેન્દ્રના વટહુકમને સંબોધતા દાવો કર્યો હતો કે તે શહેરના નાગરિકો માટે અપમાનજનક છે, કેમ કે તે દિલ્હીમાં લોકશાહીને ખતમ કરે છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું દિલ્હીમાં સરમુખત્યારશાહી હશે, જ્યાં લેફ્ટનન્ટ ગવર્નર અંતિમ સત્તા ધરાવતા હશે. જો કે લોકોને તેમના મનપસંદ ઉમેદવારને પસંદ કરવાની સ્વતંત્રતા છે, પરંતુ કેન્દ્ર જ દિલ્હીનું શાસન સંભાળશે. તેમણે કહ્યું કે તેઓ દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે, અને દિલ્હીના લોકોને ખાતરી આપવા માંગે છે કે આપણે એકલા નથી. તેમણે ઉમેર્યું કે ભારતની સમગ્ર 140 કરોડ જનતા, આપણી સાથે છે.

AAP નેતાએ દાવો કર્યો હતો કે આ હુમલો સહન કરનાર દિલ્હી પ્રથમ શહેર છે, રાજસ્થાન તેમજ અન્ય રાજ્યો માટે પણ આવા વટહુકમ આવશે.

AAP નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડ અંગે, મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે દિલ્હીની પ્રગતિને અવરોધવા માટે તેમની ધરપકડ કરવામાં આવી છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે સિસોદિયા અને જૈન જેવી જ વિચારધારા અને ક્ષમતાઓ ધરાવતા અસંખ્ય વ્યક્તિઓ છે અને તેઓ જે પ્રશંસનીય કાર્ય કરી રહ્યા હતા તે ચાલુ રાખશે.

ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ફેબ્રુઆરીમાં 2021-22 ની અને હવે બંધ થઈ ગયેલી દારૂ નીતિની રચના અને અમલીકરણ સંબંધિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ શ્રી જૈનની ગયા વર્ષે મે મહિનામાં મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે.

ત્યારબાદ કેજરીવાલે પ્રશ્ન પૂછ્યો હતો કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને પછી લાંબા સમયથી વડાપ્રધાન તરીકે સત્તામાં રહેલા પીએમ નરેન્દ્ર મોદી અને આઠ વર્ષથી સત્તામાં રહેલા કેજરીવાલ વચ્ચે કોણે લોકો માટે વધુ કામો કર્યા છે?

રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે પણ આ કાર્યક્રમમાં સૂચક હાજરી આપી હતી. અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે વિપક્ષી એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.