સુરતમાં દિગ્ગજ નેતાઓ શામાટે કરી રહ્યા છે રાત્રી રોકાણ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૨નો ચૂંટણી પ્રાચાર ચરમસીમા પર છે અને દરેક પક્ષના સ્ટાર પ્રચારકો ગુજરાત ધમરોળી રહ્યા છે. બે ચરણોની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ૧લી ડીસેમ્બરના રોજ થવાનું છે, ત્યારે સુરતે આખા ગુજરાત અને દેશનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
ગત મહાનગર પાલીકાની ચૂંટણીમાં અપસેટ સર્જીને આમ આદમી પાર્ટી ૨૭ જેટલી સીટો મેળવવામાં સફળ રહી હતી. જેના કારણે આપ પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં પણ સુરત માંથી બેઠકો મેળવી ખાતું ખોલવાની અપેક્ષા રાખી રહ્યી છે. યુવાન અને પહેલેથી લોકમુખે જેમના નામો ચર્ચામાં રહ્યા છે તેવા ઉમેદવારો ઉતારી પાંચેક સીટો પર ભાજપને બરાબર ટક્કર આપી રહ્યી છે.
કેજરીવાલ પણ સુરતની વારંવાર મુલાકાત લઈ રહ્યા છે અને રાત્રી રોકાણ તેમજ પ્રેસ કોન્ફરન્સ કરી પોતાના પક્ષની તરફેણમાં વાતાવરણ બનાવવાની ભરપૂર કોશીશ કરી રહ્યા છે. ગઈકાલની પ્રેસવાર્તામાં કેજરીવાલે પત્રકારોને લેખીતમાં આપ્યું હતું કે “ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહ્યી છે”
તો સામે પક્ષે ભાજપના દરેક સ્થાનીક નેતાઓ અને પ્રાદેશિક નેતાઓ લોકોને રીઝવવાના કે જનતાનું મન કળવામાં નિષ્ફળ ગયા હોય તેવું લાગતા લગામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં લીધી હોય તેવું દેખાય રહ્યું છે. સુરતમાં સભા અને રોડ શો સાથે સાથે સૌરાષ્ટ્રવાસી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે મીંટીંગનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મોદીજીના રાત્રી રોકાણ દરમ્યાન તેઓ કોને મળશે અને તેઓ ચૂંટણીમાં કંઈ રીતે મદદરૂપ થઈ શકશે તે ગણિત ભાજપના કાર્યકર્તાઓ પણ સમજી શકતા નથી. સૌરાષ્ટ્રવાસી વિસ્તારના મતદારોનું અકળ મૌન અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સભાને મળી રહેલા પ્રતિસાદથી ભાજપ ચોક્કસપણે પોતાના ગઢ એવા સુરતમાં અસહજ અનુભવ કરી રહી છે.
મોદી નામનું બ્રહ્માસ્ત્ર વાપર્યા પછી પણ શું સુરત વિધાનસભાની સોનાની થાળીમાં લોખંડનો ખીલો મારશે? કે પછી ભાજપનો ગઢ અકબંધ રહેશે?
આ પ્રશ્નનો જવાબ હાલ કોઈ આપી શકે તેમ નથી..