કતારગામના ચૂંટણી જંગમાં WhatsApp નો ભરપૂર ઉપયોગ
આજની વાત, સુરત, કતારગામ
ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વની એવી કતારગામની સીટ પર પ્રતિષ્ઠાભર્યા જંગમાં ટક્કર ભાજપના ઉમેદવાર વિનોદ મોરડીયા, આપ ના ઉમેદવાર ગોપાળ અને કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ વરીયા વચ્ચે થઈ રહી છે.
આપ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાળીયાએ એમના નામની જાહેરાત સાથે જ અલગ અલગ વિસ્તારોમાં ઘરે ઘરે પ્રચાર સાથે સભાઓ ગજવી વાતાવરણ બનાવવામા મહદઅંશે સફળતા મેળવી છે તો સામે ગત ચૂંટણીમાં ૮૦ હજાર જેવી જંગી લીડથી જીતેલા વિનોદ મોરડીયા જ્ઞાતિ સમીકરણો સાથે સૌરાષ્ટ્રના જીલ્લા, તાલુકા તેમજ ગામ, સમાજ અને પરીવારોની મીટીંગોની રણનીતી ધ્યાનમાં રાખી તે મૂજબ સભાઓ કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ વરીયા પણ સામાજીક સભાઓ કરી રહ્યા છે.
ગોપાલ ઈટાળીયા પોતાની ચૂંટણી સભાઓમાં આપ પાર્ટીના વચનો સાથે પંજાબ તેમજ દિલ્હીની આપ સરકારની કામગીરીઓ ગણાવી લોકો પાસે એક તક આપવાની માંગણી કરી રહ્યા છે, તો સામે વિનોદ મોરડીયા ૨૭ વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરેલા કામો અને નરેન્દ્રભાઈ મોદીના નામે પ્રચાર કરી રહ્યા છે. અને કોંગ્રેસના ઉમેદવાર પ્રજાપતી સમાજને અન્યાય તેમજ પ્રતિનિધિત્વના મુદ્દે સમર્થન માંગી રહ્યા છે.
સાથે સાથે કતારગામની આ ચૂંટણીમાં ઉમેદવારો કે પક્ષો દ્વારા નહી પરંતુ નાગરીકો દ્વારા WhatsApp એપ્લીકેશનનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. સોશીયલ મીડીયામાં જાહેરમાં કોઈનું સમર્થન કે વિરોધ કરવાના બદલે વ્યક્તિગત whatsaap મેસેજ કે કોલ કરી લોકો કોને મત આપવો અને કોને ન આપવો તે અંગેના સંદેશા પહોંચાડી રહ્યા છે.
WhatsApp એપ્લીકેશનમાં પણ ગૃપના બદલે વ્યક્તિગત મેસેજો કરી લોકો પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવા ભલામણ કરી રહ્યા છે સાથે કોલ રેકોર્ડીંગ ન થાય તે માટે ફોન કોલ ના બદલે વોટ્સએપ કોલ કરી ખૂલીને પસંદગીના ઉમેદવારનું સમર્થન અને નાપસંદનો વિરોધ પણ કરી રહ્યા છે.
કોઈનું પણ નામ લીધા વગર કરવામાં આવતા મેસેજો જેમ કે “ બાપુનો એક જ પેટેન્ટ સવાલ…..” “આ વખતે ઠોકી નાંખવાનો છે” “ઉઘરાણા ન જોઈએ” “પાછા મોકલી દેવાના છે” “સમાજ પહેલા” થી પણ લોકો સમજી જાય છે કે કોનો વિરોધ છે અને કોનું સમર્થન.
Whatsaapમાં ચૂંટણી યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે, પોતાની પસંદગીના ઉમેદવારોના સ્ટેટસ મુકાય છે, ફોટા વિડીયો અને મેસેજો પણ ભરપૂર માત્રામાં શેર થાય છે. આવી રીતે વ્યક્તિ થી વ્યક્તિ ચાલી રહેલા પ્રચારના કારણે હાલમાં જનતા શું વિચારી રહી છે અને કઈ તરફ મતદાન કરશે તે તેમના ફોનમાં WhatsApp જોયા વગર અનુમાન કરવું અશક્ય બની ગયું છે.
કતારગામની ચૂંટણી આ વખતે ફેસબુક, ટ્વીટર કે ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડીયાના જાહેર પ્લોટફોર્મથી વોટ્સએપ જેવા પ્રાઈવેટ પ્લેટફોર્મ સુધી કેવી રીતે અને કેમ પહોંચ્યું અને તેની આવનારી ચૂંટણીમાં કેવી અસરો રહેશે તે અધ્યયનનો વિષય બની ગયો છે.
-આજની વાત, આપણા સૌની વાત