કતારગામ અને વરાછાનો પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો.
પહેલા ચરણમાં મતદાન થયેલી બેઠકોમાં કતારગામ અને વરાછા બેઠક આખા ગુજરાતનું ધ્યાન આકર્ષણ કરી રહી છે. કતારગામથી ભાજપના વિનોદ મોરડીયા સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાળીયા અને કોંગ્રેસ તરફથી પ્રજાપતિ સમાજ માંથી આવતા કલ્પેશ વરિયાએ ઝંપલાવ્યું છે. તો વરાછામાં ભાજપના કુમાર કાનાણી વિરુદ્ધ આમ આદમી પાર્ટી તરફથી પાટીદાર અનામત આંદોલન સમીતીના કન્વિનર અલ્પેશ કથીરીયા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રફૂલ તોગડીયા મેદાનમાં છે.
કતારગામ અને વરાછા બંન્ને સૌરાષ્ટ્રવાસી પાટીદાર સમાજના પ્રભુત્વવાળી બેઠકો છે. પરંપરાગત રીતે સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ ભાજપ સાથે અડીખમ રહેતો આવ્યો છે, તેના કારણે આ બંન્ને બેઠકો ભાજપનો ગઢ ગણાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કતારગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિનોદ મોરડીયા 1,25,387 મત સાથે 69.70% વોટશેર લેવામાં સફળ થયા હતા અને 79,230 મતની જંગી લીડથી વિજેતા બન્યા હતા. વરાછા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કુમારભાઈ કાનાણી 58,529 મત સાથે 54.69% વોટશેર મેળવી 13,998 મતની લીડથી વિજેતા બન્યા હતા.
વરાછામાં સીધી ટક્કર ભાજપના કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરીયા વચ્ચે જોવાઈ રહી છે અને કોંગ્રેસ કોઈ ચીત્રમાં જ નહિં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કતારગામ બેઠક પર ભાજપના વિનોદ મોરડીયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાળીયા સામસામે જંગમાં હોવા સાથે કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ વરિયાનું પ્રદર્શન કેવું રહેશે અને તેની અસર શું થશે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
વરાછાનો વટ
વરાછામાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી અને બરાબરીની ટક્કર છે. ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણેય ઉમેદવારો પાટીદાર સમાજના જ હોવાથી જાતીગત અને જીલ્લાગત સમીકરણો નામશેષ થઈ ગયા. ચૂંટણી ઉમેદવારોની વ્યક્તિગત ક્ષમતા પર લડાઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે.
ભાજપના કુમાર કાનાણીની દબંગ છાપ યુવાનોમાં બહોળું સમર્થન ધરાવતા અલ્પેશ કથીરીયા સામે કમજોર પડી રહી હોય તેવુ લાગ્યું. પ્રચાર દરમ્યાન અલ્પેશ કથીરીયાએ ચૂંટણી એજન્ડા સેટ કરતા જાહેરમાં કુમાર કાનાણીને કાકા અને પોતાને એમનો ભત્રીજો ગણાવી, ચૂંટણીને બે વ્યક્તિત્વ વચ્ચેની લડાઈ બનાવી દીધી હતી.
આવું બનવાના કારણે મતદારોના એક મોટાવર્ગ માટે ઉમેદવારોનો પક્ષ, પક્ષની વિચારધાર અને પક્ષનું સર્વોચ્ચ નેતૃત્વ મહત્વહીન બની ગયું. લડાઈ સીધી જ કુમાર કાનાણી તેમજ અલ્પેશ કથીરીયા વચ્ચેની બની ગઈ હતી. મતદારોમાં રહેલા વડીલવર્ગે આ એજન્ડાનો અસ્વીકાર કરી પક્ષ તેમજ પક્ષના નેતૃત્વના આધારે મતદાન કર્યુ હોવાની, તો યુવાનોએ વ્યક્તિત્વની લડાઈના આધારે મતદાન કર્યુ હોવાના અનુમાન લગાવવાનાં આવી રહ્યા છે.
ભત્રીજો કાકા કરતા સવાયો સાબિત થશે કે પછી કાકાનો જ ડંકો વાગશે? તે મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થઈ શકશે.
કતારગામનું કમઠાણ
કતારગામ બેઠકની ગણના હંમેશા ભાજપ માટેની સુરક્ષીત બેઠકમાં થતી આવી છે. ગત 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદ મોરડીયા જંગી લીડથી જીત્યા હતા અને 2021માં થયેલા સરકારના નેતૃત્વ પરિવર્તન પછી તેમને મંત્રીપદ પણ મળ્યું હતું. વિનોદ મોરડીયા પણ પોતાને દબંગ અને કોઈ સામે નહીં નમવાવાળા નેતા ગણાવતા ગર્વ અનુભવતા હોય છે.
કતારગામની આટલી બધી સુરક્ષીત ગણાતી બેઠક આપ ના ગોપાલ ઈટાળીયાએ પસંદ કરી ત્યારે લોકમુખે ચર્ચા હતી કે ગોપાલે આવું પગલું કેમ ભર્યું હશે. પોતે કોઈ પણ બીજી બેઠક પસંદ કરી પોતાની જીતની શક્યતામાં વધારો કરી શક્યા હોત. પરંતુ જેમ જેમ પ્રચાર કાર્ય આગળ ચાલ્યું વિનોદ મોરડીયાના પ્રચાર સામે ગોપાલ ઈટાળીયાએ સામેના ઉમેદવારને જ મુદ્દો બનાવી પ્રચાર શરું કર્યો હતો.
ગોપાલ ઈટાળીયાના પ્રચાર અને રોજ રોજની સભાઓમાં સંખ્યા રોજબરોજ વધતી જતી હતી. સતત લોક સંપર્ક અને પોતાની વાત લોકો વચ્ચે પહોંચાડવામાં સફળતા મેળવી ગોપાલ ઈટાળીયાએ અંડર કરંટ વાતાવરણ ઉભું કર્યુ હતું. સામે ભાજપે મોડેથી પણ કમર કસતા વિવિધ સમાજ, કુટંબ, પંથ અને ગામના લોકોની મીટીંગોનું આયોજન કરવાનું શરુ કરી વિનોદ મોરડીયાની તરફેણમાં મતદાન કરાવવા મહેનત કરી હતી.
કોંગ્રેસ તરફથી ચૂંટણીમાં ઉતારેલા કલ્પેશ વરિયાને શરૂઆતમાં મહત્વ મળ્યું ન હતું. પરંતુ પ્રજાપતી સમાજમાં પોતાના સમાજના ઉમેદવારને જ મત આપવો એવી વાત થતા વિનોદ મોરડીયાને નુક્શાન થવાની ભીતિ ઉભી થઈ હતી. જેને ખાળવા માટે ભાજપે પ્રજાપતી સમાજના આગેવાનો, કોર્પોરેટરો સહીતના ભાજપ સાથે જોડાયેલા અન્યોને કામે લગાડ્યા હતા. એ કેટલા સફળ થયા હતા તે પરિણામ આવ્યે જ ખબર પડશે.